Thursday, March 11, 2010

કર્ણાવતી નગર

અમદાવાદ શહેર પહેલાં કર્ણાવતી હતું. તે પછી આશાવલ થયું અને હવે અમદાવાદ બન્યું તેની આ કહાણી છે.

અણહીલપુર પાટણની રાજગાદી પર મૂળરાજથી સોલંકી યુગ શરૃ થયો.

એ પછી ચામુંડદેવ, વલ્લભરાજ, દુર્લભરાજ અને બાણાવળી ભીમદેવ ગાદી પર આવ્યા. કર્ણદેવ ભીમદેવનો નાનો પુત્ર થાય જેણે કર્ણાવતી વસાવ્યું. કર્ણદેવની પાટણ ઉપરાંત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડ સુધી આણ હતી.

સિદ્ધરાજ જયસિંહના સમયમાં કર્ણાવતી નગરી અસ્તિત્વ ધરાવતી હતી.

ડો. માણેકભાઈ પટેલ 'સેતુ'એ 'આ છે અમદાવાદ' પુસ્તકમાં કરેલા ઉલ્લેખ અનુસાર ૧૧મી સદીમાં સાબરમતી નદીના કિનારાની એક છાવણી 'કર્ણાવતી' તરીકે ઓળખાતી હતી. કર્ણદેવ સોલંકીએ છ લાખ ભીલોના રાજા આશા ભીલને હરાવી આશાવલનું નામ કર્ણાવતી રાખ્યું હતું. વડોદરા પાસે થયેલા પરાજય પછી કર્ણદેવ સોલંકીએ આ પ્રદેશની સત્તા પોતાના માટે જોખમરૃપ ના બને તે હેતુથી અહીં જે લશ્કરી છાવણી નાંખી તેનું નામ કર્ણાવતી.

હાલનું કાંકરિયા તળાવ પણ રાજા કર્ણદેવે જ કર્ણસાગરના નામે ખોદાવ્યું
કર્ણદેવ સોલંકીએ ત્રણ મંદિરો બાંધ્યા. તેમાં (૧) જયંતીદેવી (૨) કોછરબા દેવી અને (૩) કર્ણેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે. કર્ણસાગર નામનું તળાવ પણ ખોદાવ્યું. કહેવાય છે કે, રાજા કર્ણદેવને ઈ.સ. ૧૦૭૪માં ચીબરીનાં સારાંશુકન થતાં ભીલો પર વિજય મેળવ્યો હતો તેથી જયંતીદેવી મંદિર બાંધ્યું. આજે તેનું અસ્તિત્વ નથી. કોછરબા દેવીનું મંદિર હાલના કોચરબ ગામમાં હતું. કોચરબમાં કોશલ્યા દેવીનું મંદિર છે જેને ગામ લોકો પૌરાણિક કોછરબા મંદિર તરીકે પણ માને છે.

કર્ણમુક્તેશ્વર મહાદેવ
સારંગપુર દરવાજા બહાર આવેલ શ્રી કર્ણમુક્તેશ્વર મહાદેવ એ જ પૌરાણિક કર્ણેશ્વર મહાદેવ છે. ઈસ. ૯૫૦માં કર્ણદેવ સોલંકીએ આ શિવાલય બાંધ્યું હોવાનું મનાય છે. બાળ સિદ્ધરાજનો રાજ્યાભિષેક પણ આ જ શિવાલયમાં કરવામાં આવ્યો હતો. એક જમાનામાં જે કર્ણસાગર કહેવાતું હતું તે જ આજનું કાંકરિયા તળાવ.

કર્ણદેવ સોલંકીએ જે લશ્કરી છાવણી ઊભી કરી તે જગા સર્પ્તિષના આરાથી ગંગનાાથનો વિસ્તાર હોવાનું ગણાય છે. આ વિસ્તારમાં હિન્દુ મંદિરના અવશેષો પણ છે. હાલનું કોચરબ ગામ અને પાલડીનું સંસ્કાર કેન્દ્ર તે કર્ણાવતી નગરી હોવાનું મનાય છે. સંસ્કાર કેન્દ્રના બાંધકામ વખતે ખોદકામ કરતાં ઘણાં શિલ્પો મળ્યાં હતાં.

કર્ણાવતીના વિકાસમાં જૈનોનો ફાળો ઘણો હતો. અરિષ્ટનેમી પ્રાસાદ નામના મંદિરમાં વિદ્વાન સાધુ દેવસૂરિનો નિવાસ હતો. હેમચંદ્રાચાર્યે પણ અહીં રહી અભ્યાસ કર્યો હતો. કર્ણાવતીમાં ઉછરેલા કર્ણદેવ અને તેમના પછી સિદ્ધરાજના સમયમાં દુર્ગપાલ મંત્રી તરીકે સેવાઓ આપતા હતા. ઉદા મહેતા અને શાંતુ પ્રધાને ૭૨ જિનાલયવાળું મંદિર બંધાવ્યું હતું.

કર્ણદેવ સોલંકીના રાજ્યને ભરૃચ, ખંભાત ઉપરાંત પ્રભાસ પાટણનાં બંદરોની પણ આવક હતી.

કર્ણદેવના લગ્ન
કર્ણાવતી નગરી વસાવનાર રાજા કર્ણદેવના લગ્નની કથા પણ રસપ્રદ છે. દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના ચંદ્રપુર નગરના રાજાને એક પુત્રી હતી જેનું નામ મયણલ્લાદેવી હતું. તે નૃત્ય અને ગીત-સંગીતમાં નિપૂણ હતી. કર્ણાટકમાં મયણલ્લાદેવીના પિતાના અનેક શત્રુઓ હતા. એ શત્રુઓના ત્રાસથી બચવા તે ગુજરાત આવી હતી. ગુજરાતમાં ધોળકા ખાતે નિવાસ કર્યો. ધોળકામાં પણ સલામતી ના જણાતાં મયણલ્લાદેવીએ વિચાર્યું કે, પાટણના રાજા કર્ણદેવ સોલંકીના આશ્રય હેઠળ જવું વધુ સારું. એ વખતે ઊંઝાના હેમાળા પટેલ રાજા કર્ણદેવ સોલંકીના અંગત મિત્ર હતા. મયણલ્લાદેવીએ પત્ર લખી હેમાળા પટેલને પિતાશ્રીનું સંબોધન કર્યું. પત્ર મળતાં જ હેમાળા પટેલ મયણલ્લાદેવીને ધર્મની પુત્રી બનાવી ઊંઝા લઈ આવ્યા. મયણલ્લાદેવી અત્યંત બુદ્ધિવાન અને પ્રતિભાશાળી હતી. હેમાળા પટેલે ધર્મની પુત્રી મયણલ્લાદેવીને રાજા કર્ણદેવ સાથે પરણાવવાની વાત કરી અને કર્ણદેવ તૈયાર થઈ ગયો.

આ જ લગ્ન અંગે બીજી એક કથા અનુસાર મયણલ્લા-દેવીના પિતા જયકેશીએ પોતાની પુત્રીની સુંદર છબી ચિતરાવી એક પુરોહિત સાથે પાટણ મોકલી. કર્ણદેવની માતાએ મયણલ્લા- દેવીનું ચિત્ર જોયું. ચિત્રમાં સુંદર દેખાતી કન્યાને જોઈ કર્ણદેવ પરણવા તૈયાર થઈ ગયો. લગ્નની તિથિ નક્કી થઈ ગઈ, પરંતુ મયણલ્લાદેવી જ્યારે પરણવા આવી ત્યારે જ ખબર પડી કે, કન્યા સુંદર છે, પણ રંગે શ્યામ છે. રાજા કર્ણદેવે લગ્ન કરવાની ના પાડી, પરંતુ માતાની સમજાવટથી કર્ણદેવે મયણલ્લાદેવી સાથે લગ્ન કર્યાં. કર્ણદેવની પત્ની મયણલ્લાદેવી તે જ ઇતિહાસ પ્રસિદ્ધ મીનળદેવી.

રાજા કર્ણદેવે કર્ણાવતીમાં અને ઇમારતો ઊભી કરી. પાટણમાં પણ પ્રાસાદો ઊભા કર્યા. મોઢેરા પાસે સૂર્યમંદિર અને એક સરોવર બાંધ્યું. એ દરમિયાન માળવાના રાજા નરવર્માએ પાટણ પર ચઢાઈ કરી. આ લડાઈમાં કર્ણદેવ માર્યો ગયો. કર્ણદેવનો મીનળદેવીથી થયેલો પુત્ર સિદ્ધરાજ જયસિંહ નાનો હોવાથી રાજમાતા મયણલ્લાદેવી અર્થાત્ મીનળદેવીએ રાજ્યની લગામ હાથમાં લીધી. તેમણે ધોળકામાં મોટું તળાવ બંધાવ્યું. એ પછી સિદ્ધરાજ જયસિંહ મોટો થતાં તેણે ગુજરાતનો રાજવહીવટ હાથમાં લીધો, જે 'ગુજરાતનો નાથ' ગણાયો. આમ હાલનું અમદાવાદ એક જમાનામાં કર્ણાવતી હતું, જેની સ્થાપના કરનાર રાજા કર્ણદેવ 'ગુજરાતન નાથ'ના પિતા થાય. સિદ્ધરાજ જયસિંહનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે.

કરણઘેલો
ગુજરાતનો છેલ્લો રાજા કર્ણ વાઘેલો 'કરણઘેલા' તરીકે પણ જાણીતો છે. તે અત્યાચારી અને સ્વભાવે રંગીલો હતો. કહેવાય છે કે, રાજા કરણ વાઘેલાએ એના મંત્રી માધવની સુંદર પત્ની પર નજર બગાડી હતી, પણ માધવની પત્નીએ કરણ ઘેલાને તાબે થવાના બદલે મોત પસંદ કર્યું હતું. રાજા કરણઘેલાની આ વૃત્તિથી ખીજાયેલો મંત્રી માધવ બદલો લેવાની ભાવનાથી ઓળખાતા દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીન ખીલજીને મળ્યો અને કરણઘેલાની સાન ઠેકાણે લાવવા બાદશાહ સાથે મળી ગુજરાત પર ચઢાઈ કરવા તૈયારી કરી. અલ્લાઉદ્દીન ખીલજીના બે સરદારો મોટું લશ્કર લઈ ગુજરાત પર ચડી આવ્યા.

જબરદસ્ત લડાઈ થઈ. યુદ્ધમાં નાસીપાસ થયેલો કરણઘેલો ભાગી ગયો અને મોતને ભેટયો.

ઈ.સ. ૧૨૯૯માં અલ્લાઉદ્દીન ખીલજીની ફોજે ગુજરાતનાં ઘણાં નગરો લૂંટયાં. અનેક મંદિરો અને સ્થાપત્યોનો નાશ કર્યો અથવા ખંડિત કર્યાં. એક રાજા કર્ણદેવ સોલંકી હતો જેણે કર્ણાવતી નગરી સ્થાપી. જ્યારે બીજો રાજા કરણઘેલો કે જેની મૂર્ખામીના કારણે ૩૦૦ વર્ષ જૂના હિન્દુ વાઘેલા શાસનનો ગુજરાતમાં અંત આવ્યો. વાઘેલા વંશના નાશની સાથે જ 'અમદાવાદ' નામના શહેરના ઉદયનો આરંભ થયો.

કર્ણાવતીમાંથી આ નગરી અમદાવાદ કેવી રીતે બની તેની કથા હવે પછી.